ગાંધીજીના સ્થાનિક સ્વરાજના સપનાને સાકાર કરવા પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ કરવામાં આવી

ગાંધીજીના સ્થાનિક સ્વરાજના સપનાને સાકાર કરવા પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ કરવામાં આવી. ભારતીય બંધારણના અનુચ્છેદ 73માં અને 74માં સુધારા હેઠળ સ્થાનિક સ્વરાજની વ્યવસ્થા કરવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ્યની વિશેષતાઓ : 1) સ્થાનિક સ્વરાજ્ય, સ્થાનિક બાબતો માટે કામ કરે છે. આ લોકોનું સ્વશાસન છે. સ્થાનિક સ્વરાજ દ્વારા સ્થાનિક લાવી સ્થાનિક વિકાસ કરે છે. પંચાયત, નગર નિગમ, નગરપાલિકા વગેરે સ્થાનિક સ્વરાજ હેઠળ આવે છે. 2) સ્થાનિક લોકો દ્વારા રચના કરવામાં આવી હોવાથી પંચાયતો એ સ્થાનિક સ્વરાજ સ્થાપિત કરવામાં અગત્યની ભૂમિકા નિભાવે છે. પંચાયતો સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારી દ્વારા ગામ માટે વિકાસ કાર્યક્રમો ઘડે છે. તેમજ તેના સંપૂર્ણ અમલીકરણ, દેખરેખ વગેરેનું કાર્ય પણ કરે છે. આમ, સામાન્ય લોકસમુદાય, નિર્ણયાત્મક સ્તરે પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરી વિકાસની મુખ્યધારા સાથે જોડી શકાય છે.

3) પંચાયતના માધ્યમ દ્વારા સ્થાનિક લોકો, સ્થાનિક મુદાઓ માટે જાતે જ નિર્ણય કરે છે, કાર્ય કરે છે અને વિવાદોનો ઉકેલ પણ લાવે છે. આ પ્રકારે તેઓ પોતાના અધિકારો અને હકની સુરક્ષા કરે છે. પંચાયત વ્યવસ્થા એક એવું મંચ પ્રદાન કરે છે, જ્યાં સ્થાનિક સમુદાય, પંચાયતના પ્રતિનિધિઓ સાથે મળીને ઘણી સમસ્યાઓ વિશે વિચાર કરી તમામના વિકાસને સાકાર સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરે છે.

4) સ્થાનિક સ્વરાજને ત્યારે જ સફળ બનાવી શકાય છે, જયારે કોઈ પણ ગામના પ્રત્યેક ગ્રામજનની શાસનમાં સમાન ભાગીદારી સુનિશ્ચિત થઈ શકે. આ ત્યારે જ સંભવ છે, જયારે વિકાસ યોજનાઓ માટે પૂરતી નાણાકીય જોગવાઈ હોય. નાણાની જોગવાઈ એ પંચાયતોની મુખ્ય સમસ્યા છે. સરકારી અનુદાન સિવાય પંચાયતો પાસે આવકનું કોઈ સાધન નથી. સ્થાનિક સ્વરાજને સફળ બનાવવા વિકાસની સાથે-સાથે આવકના સાધનો પણ તૈયાર કરવા પડશે. તેના માટે આવકના અન્ય સ્ત્રોતોનું નિર્માણ કરી શકાય તેમ છે.

પક્ષમાં તર્ક જો કે તેના અનેક સકારાત્મક પરિણામો પણ પ્રાપ્ત થાય છે. 1) નીતિ નિર્માણમાં વિકેન્દ્રકરણ પર ભાર મુકાયો. તથા અનામત વ્યવસ્થાએ છેવાડાની વ્યક્તિને પણ નીતિ નિર્માણમાં સામેલ કરી. 2) તમામ વિસંગતિઓ હોવા છતાં પણ મહિલાઓની રાજકીય સ્થિતિ મજબૂત થઈ છે.
3) સાથે જ તેનાથી રાજનૈતિક જાગૃતિનો પણ ફેલાવો થયો છે, કે જે લોકશાહીનો પાયો છે. તેથી જો કેટલીક આંતરિક સમસ્યાઓ પર નિયંત્રણ મેળવી શકાય તો સ્થાનિક સ્વરાજ, ઘણું સારું પરિણામ આપી શકે છે.

વિપક્ષમાં તર્ક બંધારણમાં થયેલા 73માં અને 74માં સુધારા મુજબ સ્થાનિક સ્વરાજની વ્યવસ્થાને બંધારણીય માન્યતા આપવામાં આવી. જેનો ઉદેશ લોકશાહી વ્યવસ્થાને વધુ સમાવેશી બનાવવાનો હતો. જો કે અનેક કારણોથી આ ઉદેશ સિદ્ધ થઈ શક્યો નહી. 1) મોટા ભાગના રાજ્યોએ માત્ર એ જ જોગવાઇઓને લાગુ કરી જે બંધનકર્તા હતી. તેનાથી પંચાયતો અને નગરપાલિકાઓને જરૂરી રાજનૈતિક અને નાણાકીય અધિકારો મળી શક્યા નહી.

2) મહિલા અનામતના કારણે મહિલા પ્રતિનિધિ ચૂંટાયા તો ખરા પરંતુ હકીકતમાં સતાનો પ્રયોગ તેમના પતિ//પિતા/ભાઈ એટલે કે પુરુષો દ્વારા જ કરવામાં આવતો હતો. 3) સ્થાનીય ચૂંટણીઓમાં પણ ધન અને બળનો પ્રભાવ વધવા લાગ્યો. તથા જાતિગત વૈમનસ્ય વધ્યું. 4) વધતા જતા ભ્રષ્ટાચારે પણ સ્થાનિક સ્વરાજના આદર્શને ખતમ કર્યો.

સારાંશ કલ્યાણકારી રાજ્ય અને ગાંધીજીના સ્વશાસનના ધ્યેય વાસ્તવિક સ્તરે મેળવવા હોય, તો સૌથી પહેલા ગ્રામીણ ક્ષેત્રોમા શિક્ષણને પ્રોત્સાહન આપીને સામાન્ય લોકોને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત કરવા પડશે. ઉપરાંત સ્થાનિક સમિતિઓના કાર્યોની નિયમિત સામાજિક ચકાસણી કરવી.