લોભામણી લાલચમાં આવીને 1કલાકમાં 1 લાખ ગુમાવ્યા : કોલ ગર્લથી સાવધાન

ઓનલાઇન ફ્રોડના દરરોજ અનેક કિસ્સા બની રહ્યા છે, લોભ અને લાલચમાં ફસાયેલી વ્યક્તિ એ તમામ બાબતથી દૂર થઇ લાલચમાં પૈસા નાખી પોતાની ઇચ્છાથી જાણે છેતરાય છે, આવી જ એક ઘટના અમદાવાદના યુવક સાથે રાજકોટમાં બની હતી. રાત રંગીન કરવા કોલગર્લ માટેની સાઇટ ખોલી હતી, સામેથી પ્રતિસાદ પણ મળ્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ યુવકે રૂ.1 લાખનું ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી પૈસા ગુમાવ્યા હતા. રાત રંગીન તો થઇ નહોતી, યુવક પોલીસ મથકે દોડતો રહ્યો હતો.

અમદાવાદનો જયેશ ઉધરેજિયા નામનો યુવક ધંધાના કામે ગુરુવારે રાજકોટ આવ્યો હતો, કુવાડવા રોડ પરની એક હોટેલમાં રોકાયો હતો, અને રાત્રી રોકાણ કરવાનું હતું. પરિણીત આ યુવકને રાત રંગીન કરવાનો વિચાર આવ્યો હતો અને તેણે પોતાના મોબાઇલ પર રાજકોટ કોલગર્લ લખી સાઇટ ખોલતા જ યુવતીના મોબાઇલ નંબર અને ભાવ સહિતની વિગતો તેમાં જોવા મળી હતી.

યુવકે તે નંબર પર રાત્રીના 9.27 મિનિટે હાઇ લખીને મેસેજ મોકલ્યો તે જ મિનિટે તેને રિપ્લાય મળ્યો હતો. વાર્તાલાપ શરૂ થતાં યુવકે 9.50 મિનિટે રૂ.1 હજાર રજિસ્ટ્રેશનના ઓનલાઇન મોકલી આપ્યા હતા, તો સામેથી યુવતી સાથે 1 કલાકથી લઇ ફુલનાઇટના ભાવ આવ્યા હતા. યુવકે ફુલનાઇટ પસંદ કરી રૂ.6 હજાર મોકલી આપ્યા હતા. જે નંબર સાઇટ પર દર્શાવવામાં આવ્યો હતો તેના પર જયેશે ફોન કરતા યુવતીને બદલે કોઇ શખ્સે ફોન રિસિવ કર્યો હતો.

વધુ રૂ. 9 હજાર મોકલો, ત્યારબાદ રૂ.17 હજાર અને રૂ.20 હજારનું પેમેન્ટ કરાવડાવ્યું હતું. 6 હજાર સિવાયની રકમ યુવતી પરત આપશે તેવી વાતો સામેની વ્યક્તિ દ્વારા કરવામાં આવતી હતી, યુવતીની લહાયમાં ભાન ભૂલેલા યુવકે ગણતરીની મિનિટમાં રૂ.1 લાખનુ પેમેન્ટ કરી દીધું હતું, પરંતુ યુવતી જોવા મળી નહોતી, અંતે પોતે છેતરાયાનું ભાન થતાં યુવક નજીકમાં આવેલા પોલીસ સ્ટેશને અને ત્યાંથી પોલીસ કન્ટ્રોલરૂમે દોડ્યો હતો. રાત રંગીન કરવાના સ્વપ્ન દેખનાર યુવક આખીરાત પોલીસ સ્ટેશને દોડતો રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *