બાળકોને એવી કેટલીક આદતો હોય છે કે જે મોટા થાય પછી પણ નથી ભૂલતા આ આદત ભૂલાવવા માં-બાપ કેટકેટલાક ઉપચાર કરતા હોય છે મોટાભાગના બાળકને બાળપણથી અંગૂઠો ચુસવાની આદત હોય છે તો આ કુટેવ કેવી રીતે ભૂલાવશો? આટલી નાની વયે તો માનસિક તાણ અનુભવવાની શક્યતા નથી હોતી. બાળક જન્મતાની સાથે જ માતાનું દૂધ અથવા બોટલનું દૂધ પીતું થઈ જતું હોય છે આ રીતે તેને ચૂસવાની આદત જન્મના બે-ત્રણ દિવસમાં જ પડી જાય છે. આ રીતે અમુક મહિનાઓ બાદ બાળક અંગૂઠો ચૂસવાની આદત પાડે છે? આ આદતનું કોઈ ચોક્કસ કારણ નથી હોતું. માતા-પિતા પોતાના બાળક પર પૂરતા પ્રમાણમાં ધ્યાન નથી આપતા અથવા તો પૂરો પ્રેમ નથી કરતા એવું બધા કિસ્સાઓમાં જરૂરી નથી. કેટલાક કિસ્સાઓમાં જે બાળકોને શરૂઆતથી જ બોટલનું દૂધ પીવડાવવામાં આવે છે અને બહુ નાની વયે ખોરાક આપવાનું ચાલુ કરે છે એવા બાળકોમાં મોટા ભાગે અંગુઠા ચૂસવાની આવી ટેવ વધુ જોવા મળે છે.
આવી કુટેવવાળા બાળકો જ્યારે ખુબ થાકી ગયા હોય, પોતે કંટાળો અનુભવતા હોય એવા સમયે જ અંગૂઠો ચૂસતા હોય છે. અત્યાર સુધી બધા નિષ્ણાતોનો કહવું છે કે બાળકોને ચૂસવાની વૃત્તિ સંતોષાય એ હદે બાળકને માતાનું કે બાટલીનું દૂધ નથી મળ્યું હોતું એ બાળકોમાં ખાસ કરીને આવી આદત જોવા મળી રહે છે. દર ચાર કલાકે દૂધ અપાતા બાળકોની સરખામણીમાં જે બાળકને દર ત્રણ કલાકે દૂધ અપાય છે.તેવા બાળકોમાં અંગૂઠો ચૂસવાનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળ્યું છે. સામાન્ય રીતે બાળક ભૂખ્યું થાય અને દૂધ આપ્યા પહેલા બાળક અંગૂઠો ચૂસે તો તે બાબત સામાન્ય છે છતાં દૂધ આપ્યા પછી ભરેલે પેટે પણ બાળકને અંગૂઠો ચૂસવાની આદત હોય તો તે બાબત સામાન્ય નથી આ એક કુટેવ છે આ કુટેવ મુકાવવા જરૂર કોશિશ કરવી જોઈએ બાળક સૌ પ્રથમ વખત અંગૂઠો ચૂસવાનું શરૂ કરે ત્યારે જ અટકાવી દેવાય તો આ કુટેવમાંથી બાળકને બચાવી શકાય છે
નાના શિશુઓ શરૂઆતના મહિનાઓમાં હાથ પગ પર નિયંત્રણ ધરાવતા નથી હોતા . આવા સમયગાળા દરમિયાન હાથ ઉપર કરવાના પ્રયાસ દરમિયાન અંગૂઠો મોઢામાં જાય છે. તે બાબત સામાન્ય છે. ત્રણ મહિના બાદ બાળકમાં અંગૂઠો ચૂસવાની સૌથી વધુ જરૂરિયાત જણાતી હોય છે. પરંતુ આ આદત 6-7 મહિના બાદ મોટા ભાગે છૂટી જતી ઓય છે જો આ સમય દરમિયાન પણ જો બાળકને આ આદત ન છૂટે તો બાળક ભૂખ્યું રહેતું હોય શકે તમે બાળકને દૂધનું પ્રમાણ વધારી શકો તે પણ મહત્ત્વનું છે.
અંગૂઠો ચૂસવાની આદતથી બાળકને કોઈ પ્રકારની હાનિ કે નુકસાન નથી થતા પરંતુ સતત લાંબા સમય સુધી અંગૂઠો ચૂસવાની આદતને કારણે આગલા દાંત બહાર આવવા લાગે છે. અંગૂઠો ચૂસવાની આદત બાળક ત્રણેક વર્ષનું થાય ત્યાં સુધીમાં જતી રહે તો સારું છે. જો આદત ત્રણ વર્ષ પછી પણ ચાલુ રહે તો આના પર ધ્યાન આપવું ખુબ જરૂરી બની જાય છે. બાળકને આ આદત અંગે સતત ટોક ટોક કરી તેનામાં લઘુતાગ્રંથિ જન્માવવાને બદલે તેને બીજી પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવું વધુ હિતાવહ બને છે. ત્રણ વર્ષથી વધુ વયના બાળકોને તો સમજાવીને પણ કહી શકાય છે. ઘણા બાળકોમાં તો ઊંઘમાં જ અંગૂઠો ચૂસવાની આદત હોય છે. આવા બાળકોને ઊંઘમાં કોઈ જાતની ખલેલ પહોંચાડયા વગર મોમાંથી અંગૂઠો કાઢી લેવો જોઈએ. દાંતના ડૉક્ટર પાસે ઉપરના દાંતમાં સ્પ્રિંગ બેસાડવાથી પણ આ આદત છૂટી શકે છે. જેટલી વખત મોઢામાં અંગૂઠો જાય એટલી વખત સ્પ્રિંગનું હુક લાગવાથી અંગુઠો ચુસવાની આદત છૂટી જાય છે. બાળકના અંગૂઠા પર કડવી દવા લગાડવી કે હાથ બાંધી દેવા જેવી શિક્ષા કરવી યોગ્ય નથી. બીનજરૂરી સખતાઈનું ઘણી વખત ઊંધું પરિણામ આવતું હોય છે. અંગુઠો ચૂસવાની કુટેવ બાળકને ધમકાવવાથી નહિ પરંતુ સમજાવટથી જ દૂર કરી શકાય છે.