આઈપીઆર પોલીસીમાં સમયની સાથે જરૂરી બદલાવ

ભારત સરકાર દ્વારા સર્જનાત્મકતા, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી હક નીતિ બહાર 2016 પાડવામાં આવી હતી.

આ નીતિના મુખ્ય સાત ઉદ્દેશો છે. જેમાં મુખ્યત્વે આઈપીઆર માં આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક લાભો વિશે લોકોમાં જાગૃતિ લાવવી, નવીનતાના વાતાવરણને ઉત્તેજન આપવું, બૌદ્ધિક સંપતિ હકોમાં શિક્ષણ, સંશોધન અને કૌશલ્ય નિર્માણ માટે માનવ સંસાધનોનો વિકાસ, આઈપીઆરનું વ્યાપારીકરણ અને આધુનિકીકરણ વગેરે મુખ્ય છે.

“ક્રિએટીવ ઇન્ડિયા, ઇનોવેટીવ ઇન્ડિયા” આ નીતિનું મુખ્ય સૂત્ર છે.

આઈપીઆર નીતિના ફાયદાઓ: આઈપીઆર નીતિ એક વિઝન દસ્તાવેજ છે જેનો હેતુ બૌદ્ધિક સંપતિના તમામ સ્વરૂપો, સંબંધિક કાયદાઓ અને એજન્સીઓ વચ્ચે સુસંગતતા બનાવવાનું છે.

આ નીતિ વૈશ્વિક ધોરણો સાથે ભારતનું આઈપી શાસન સુવ્યવસ્થિત કરશે અને ભારતની વિશ્વ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં સુધારો કરવામાં મદદ કરશે.

આ નીતિ વિશ્વસનીયતાની ખાતરી આપે છે અને સંભવિત રોકાણકારો અને વ્યુહાત્મક ભાગીદારોને ભારતમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરે છે.

આ નીતિ દ્વારા આઈપીઆર અરજીનો બેકલોગ સમય ઘટશે આ નીતિ ફિલ્મ અને સંગીત ક્ષેત્રે થતી ચોરીને અટકાવે છે તેમજ આરોગ્ય સંભાળ, ખાદ્યસુરક્ષા અને પર્યાવરણીય સંરક્ષણની પહોંચ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ નીતિ બધા જ ક્ષેત્રોમ સર્જનાત્મકતા અને નવીનતાને ઉત્તેજન આપે છે અને તેની સાથે સાથે દેશમાં સ્થિર, પારદર્શક અને સેતાલક્ષી આઈપીઆર વહીવટને પણ સુવિધા આપે છે.

કોપીરાઈટ એક્ટ અને સેમીકંડકટર ઇન્ટીગ્રેટેડ સર્કીટસ લે આઉટ ડીઝાઇન એક્ટને DPIIT હેઠળ લાવવાથી ઉદ્યોગ અને વ્યક્તિઓને ફાયદો થશે.

ગેરફાયદાઓ: નવી આઈપીઆર નીતિમાં ભારતના પરંપરાગત જ્ઞાન અને પાકોની રક્ષણ વિશે અલગથી પ્રાવધાન ન હોવાથી વિદેશી કંપનીઓ તેનો ગેરલાભ ઉઠાવી શકે છે. તેમજ અન્ય દેશો પણ પેટન્ટ કરી શકે છે. ઉદા. તાજેતરમાં પાકિસ્તાન દ્વારા બાસમતી ચોખા માટે અરજી કરવામાં આવી હતી.

શિક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં કાર્ય કરતા પ્રોફેસરો માટે પણ તેમણે કરેલા સંશોધનનું પેટન્ટ કરાવવું જરૂરી બન્યું છે આથી આ રીતે કરેલા પેટન્ટનું જ્ઞાન બીજાને મળવું શક્ય નહી બને.જયારે કોઈ એક વસ્તુ કે પ્રોસેસને પેટન્ટ આપવામાં આવે છે ત્યારે તેના પર પછી સંશોધન થતું નથી.
 ઘણી બધી જરૂરી દવાઓના પેટન્ટ મોટી કંપનીઓ પાસે હોવાથી લોકોને વ્યાજબી ભાવેથી દવાઓ મળતી નથી.

આમ, ભારતે પોતાની નવી આઈપીઆર પોલીસીમાં સમયની સાથે જરૂરી બદલાવ પણ કરવા પડશે અને સાથે સાથે નવીનતા અને સંશોધનના વાતાવરણને ઉત્તેજન પણ આપવું પડશે.