Skip to content

ગુપ્તકાળ:- પ્રાચીનકાળમાં ગુપ્ત સમયમાં ભારતમાં સાહિત્ય, કલા, સ્થાપત્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી વગેરે ક્ષેત્રોમાં થયેલા વિકાસને કારણે ગુપ્તયુગને ભારતીય ઇતિહાસમાં સુવર્ણકાળ તરીકે ઓળખવામાં આવે છે.

1) સાહિત્ય: ગુપ્ત સમયમાં મહાકવિ કાલિદાસ દ્રારા માલવિકાગ્નિમિત્ર, અભિજ્ઞાન-શાકુંતલમ અને વિક્ર્મોવર્શીયમ જેવા નાટકો તેમજ રઘુવંશમ અને કુમારસંભવ જેવા મહાકાવ્યો લખવામાં આવ્યા હતા. આ જ સમયમાં આર્યભટ્ટે આર્યભટ્ટીયમ નામના ગ્રંથની રચના કરી અને પ્રતિપાદિત કર્યું કે પૃથ્વી પોતાની ઘરી પર ફરે છે. દશાંશ-પદ્ધતિ અને શૂન્યની શોધ પણ તેમના દ્રારા જ કરવામાં આવી હતી. વરાહમિહિર દ્રારા બૃહતસંહિતા, બ્રહ્મગુપ્ત દ્રારા “બ્રહ્મગુપ્ત સિદ્ધાંતિકા” અને નાગાર્જુન દ્રારા “રત્નાકર” નામના ગ્રંથની રચના થઇ હતી. આ જ સમયમાં માઘ, ભવભૂતિ, વિશાખાદત અને ભાષ પણ થઇ ગયા.

2) વિજ્ઞાન અને ટેકનોલોજી: આ જ સમયે નાગાર્જુન જેવા પ્રખર રસાયણશાસ્ત્રી થઇ ગયા અને ધાતુકળાનો ખુબ સારા પ્રમાણમાં વિકાસ થયેલો છે. ઉદા. મેહરોલીનો લોહસ્તંભ ગુપ્તસમયમાં ખગોળવિદ્યા, જ્યોતિષવિદ્યાનો પણ વિકાસ થયો હતો. આર્યભટ્ટ અને વરાહમિહિરે અવકાશ સંશોધનમાં અગત્યનો ફાળો આપેલો છે. રંગો બનાવવાની તકનીકનો વિકાસ થયેલો હતો.

3) સ્થાપત્ય કળા: મંદિર બનાવવાની શૈલીનો વિકાસ ગુપ્તકાળમાં જ થયેલો જોવા મળે છે. નાગર શૈલીના મંદિરોનો વિકાસ ગુપ્તકાળમાં જોવા મળે છે. ચાંચીનું મંદિર, દેવગઢનું દશાવતાર મંદિર, ઐહોલનું દુર્ગા મંદિર વગેરેનો વિકાસ થયો હતો. મુર્તિકળાનો પણ સુવર્ણયુગ હતો. સુલતાન-ગજની બુદ્ધની કાંસ્ય-પ્રતિમાં ખુબ જ જાણીતી છે.

4) સિક્કા:ગુપ્તકાળના રાજાઓએ સોનું-ચાંદી તથા અન્ય ધાતુના વિભિન્ન આકારના સિક્કાઓ પ્રચલિત હતા. સિક્કાઓ પર ઉત્કીર્ણ દંતકથાઓ તે કાળની કલાઓની ઉત્કૃષ્ટતાનું ઉદાહરણ છે. ઘણા સિક્કાઓ મિશ્રધાતુના પણ જોવા મળે છે.

5) વહીવટ ગુપ્ત શાસન પ્રણાલી સામંતીપ્રથા પર આધારિત હતી. અહી રાજાને રક્ષણકર્તા અને પાલનકર્તાના રૂપમાં માનવામાં આવતા હતા. પ્રશાસનની સુવિધા માટે રાજ્યને ભુક્તિઓમાં, ભુક્તિને વિષયોમાં, વિષયોને વિથીમાં અને વિથીઓને ગામમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. ગુપ્તકાળમાં ન્યાય પદ્ધતિ પણ અત્યંત વિકસિત હતી.

આમ, ગુપ્તકાળમાં બધા જ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ થયો હતો. આથી ગુપ્તકાળને ભારતીય ઇતિહાસમાં સુવર્ણકાળ તરીકે ઓળખવામાં આવે છે.