1857ના વિપ્લવ

અંગ્રેજો 1857ના વિપ્લવને કચડી નાખવામાં સફળ થયા પરંતુ ભારતમાં ધીમી ગતિએ ફેલાતા જતા ક્રાંતિના વિચારોને તેઓ કચડી શક્યા નહી.

એકતાની ભાવનાવાળી પ્રજામાં જયારે પોતાનું અલગ અને સ્વતંત્ર રાજ્ય સ્થાપવાની ઝંખના ઉદભવે ત્યારે તેને રાષ્ટ્રવાદ કહે છે. રાષ્ટ્રવાદ ના બે સ્વરૂપો છે. 1. ઉદાર રાષ્ટ્રવાદ 2. ઉગ્ર રાષ્ટ્રવાદ

19મી સદીના ઉતરાર્ધમાં ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદભવ થયો, તેના પરિબળો નીચે પ્રમાણે હતા.

પાશ્ચાત્ય (અંગ્રેજી) શિક્ષણ અને સાહિત્યનો ફેલાવો
 અંગ્રેજી ભાષાનો ફેલાવો થવાથી શિક્ષિત વર્ગના વ્યવહારની ભાષા બની અને પાશ્ચાત્ય સાહિત્યનો અભ્યાસ થવાથી મિલ્ટન, બેન્થામ, હર્બર્ટ સ્પેન્સર, વોલ્તેર, રુસો જેવા યુરોપીય સાહિત્યકારોના ગ્રંથોનો અભ્યાસ કરવામાં આવ્યો. તેનાથી દેશના શિક્ષિત વર્ગમાં સ્વતંત્રતા અને સમાનતા જેવા આદર્શોની સમજ વિકસી.

રાજા રામમોહન રોય, દાદાભાઈ નવરોજી, વ્યોમેશચંદ્ર બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે વગેરે પાશ્ચાત્ય શિક્ષણ લેનારા લોકો હતા અને રાષ્ટ્રવાદના ઉદયમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

અંગ્રેજોનું ભારતીયો તરફનું વલણ અંગ્રેજોએ હમેશા શાસક તરીકે જ ભારતીયો તરફ વલણ અપનાવ્યું અને તેઓ ભારતીયોને શારીરિક અને માનસિક રીતે પોતાનાથી નિમ્ન-કક્ષાના માનતા. આથી ભારતીયોમાં તેના વિરોધ સ્વરૂપે એકતા આવી.

વાહન વ્યવહાર અને સંદેશા-વ્યવહારના સાધનો રેલ્વે, તાર, ટપાલ જેવા વાહન વ્યવહાર અને સંદેશા-વ્યવહારના સાધનોનો વિકાસ થવાથી પ્રદેશો વચ્ચેની અવર-જવર તથા આપ-લે કરવાની સુવિધા વધી. રાષ્ટ્રીય સાહિત્ય તથા વિચારોનો પ્રચાર થયો અને નેતાઓને દેશના વિવિધ વિસ્તારોમાં પ્રવાસ તથા સભાઓને સંબોધવાની સગવડ વધી.

વર્તમાનપત્રો તથા સાહિત્યનો ફેલાવો સમગ્ર ભારતમાં અસંખ્ય અંગ્રેજી તથા પ્રાદેશિક ભાષાઓમાં વર્તમાન પત્રો પ્રગટ થતા ખાસ કરીને “ઇન્ડિયન મિરર”, “મુંબઈ સમાચાર”, “હિંદુ પેટ્રીટ”, “ધી અમૃત બજાર પત્રિકા”, “હિંદુ”, “મરાઠા”, “કેસરી” વગેરે વર્તમાનપત્રોએ લોકો ઉપર ઘણો પ્રભાવ પાડ્યો હતો. બંકીમચંદ્રના પુસ્તક “આનંદ મઠ” બંગાળી યુવાનોમાં દેશ ભક્તિ પેદા કરી. તેમાં આવતું “વંદે માતરમ” ગીત રાષ્ટ્રીય એકતા અને સ્વાધીનતાનું પ્રતિક બન્યું.

બંધારણીય પ્રગતી આ સમય દરમિયાન 1861, 1892, 1909 અને 1919 ના કાયદા ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ પસાર કર્યા. આ કાયદાઓ દ્રારા રાષ્ટ્રીય ચળવળ ને વેગ મળ્યો.

આર્થિક શોષણ અંગ્રેજોની નીતિથી દેશના ઉદ્યોગો ભાંગી પડ્યા હતા. ભારતમાંથી કાચો માલ લઈને તેને ઈંગ્લેન્ડમાં યંત્રો દ્રારા તૈયાર કરી ભારતમાં આ ચીજ-વસ્તુઓ વેચવામાં આવતી. બ્રિટીશ ઉત્પાદકોના હિતોને લક્ષમાં રાખી “મુક્ત વેપાર”ની નીતિ અમલમાં મુકાઇ. આથી ભારતમાં ગરીબી અને બેકારીમાં વધારો થયો. દાદાભાઈ નવરોજીએ સરકારની શોષણ નીતિને જાહેર કરી. આથી રાષ્ટ્રીય ભાવના વધુ જાગૃત થઇ.

વહીવટી એકીકૃત પ્રણાલી ભારતીય સંસાધનોનું મોટું પ્રમાણમાં દોહન કરવા માટે અંગ્રેજો દ્રારા કાનુન-વ્યવસ્થા, ન્યાયપ્રણાલી, જમીન મહેસુલ બંદોબસ્ત સહીત પ્રશાસનની એકીકૃત પ્રણાલી લાગુ કરવામાં આવી. પરંતુ એનાથી ક્રમશઃ ભારતીયોમાં એકતા આવી. લોકોમાં એક જ ફરિયાદ ઉત્પન્ન થઇ અને એનાથી લોકો બ્રિટીશ શાસનની તરફ એ ફરિયાદોના મૂળ સ્ત્રોત વિરુદ્ધ લડવા માટે એકઠા થયા.

સામ્રાજ્યવાદી નીતિ લોર્ડ લીટન તથા લોર્ડ કર્ઝન જેવા વાઇસરોયોએ સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. 1877માં દેશમાં ભીષણ દુષ્કાળ પડ્યો હતો ત્યારે લીટને દિલ્હીમાં દરબાર ભરીને રાણી વિક્ટોરિયાને “ભારતની સામ્રાજ્ઞી” જાહેર કરી. વળી પુષ્કળ ખર્ચ કરીને બીજો અફઘાન વિગ્રહ કર્યો. આથી ભારતની આર્થિક સ્થિતિ વધુ નબળી બની. આ ઉપરાંત 1878માં વર્નાક્યુલર પ્રેસ એક્ટ તથા આર્મ્સ એક્ટ ઘડીને લોકોના વિરોધમાં ઉમેરો કર્યો. લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા કરીને લોકોને ઉશ્કેર્યા હતા.

કલા અને સાહિત્સ મકાલીન કલા અને સાહિત્યમાં ઉપનિવેશવાદની ગતિઓની વિરુદ્ધ સાંસ્કૃતિક અને બૌદ્ધિક ગતિવિધિઓ દ્રારા અવાજ ઉઠવા લાગ્યો હતો. 1867માં અનેક બંગાળી બુદ્ધિજીવીઓએ એક હિંદુ મેળાનું આયોજન કર્યું હતું. તેનો ઉદેશ્ય રાષ્ટ્રવાદી વિચારોનો પ્રસાર તથા દેશી સાહિત્ય તથા દેશી સાહિત્ય અને કળાનો વિકાસ કર્યો હતો. 1860ની આસપાસ દીનબંધુ મિત્ર દ્રારા લખેલા “નીલદર્પણ”નામના નાટકમાં ગળી કારખાનાના માલિકો દ્રારા કરાતા અત્યાચારોને તથા હિન્દી લેખક ભારતેન્દ્ર હરિશ્ચન્દ્રએ સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે પોતાની દલીલો પેશ કરી. આમ બ્રિટીશ સામ્રાજ્યવાદના વિરુદ્ધ લોકોની ભાવના પ્રબળ બની.

બીલ વિવાદ લોર્ડ રીપને ઈલ્બટૅ બીલ દ્રારા કાયદાની બાબતમાં અંગ્રેજો તથા ભારતીયોની વચ્ચે સમાનતા સ્થાપવાનો પ્રયાસ કર્યો પરંતુ યુરોપીયનો દ્રારા વિરોધ થયો આથી ભારતીયોએ અંગ્રેજી પાસેથી ન્યાય મેળવવાની આશા છોડી દીધી.