ઢોકળા નુ ખીરુ બનાવવા માટે : ૩ વાટકી ખીચડીના ચોખા , ૧ વાડકી અડદની દાળ , પાણી જરૂર મુજબ , ઢોકળા બનાવવા માટે : ૨ વાટકા તૈયાર કરેલ ઢોકળાનું ખીરુ , ૪-૫ ટેબલસ્પૂન કોથમીર ફુદીના ની ચટણી , ૧ ચમચી બેસન ,મીઠું સ્વાદ અનુસાર , ચપટી સોડા , મરી પાઉડર જરૂર મુજબ , વઘાર કરવા માટે , ૨ ચમચી તેલ , ૧ ચમચી રાઈ , ૧ ચમચી જીરૂ , મીઠા લીમડાના પાન જરૂર મુજબ, ચપટી હિંગ , ૨-૩ લીલા મરચા કાપેલા , સમારેલી કોથમીર જરૂર મુજબ
સૌપ્રથમ ખીરું બનાવવા માટે ચોખા અને અડદની દાળને બરાબર બે ત્રણ પાણીથી ધોઈ તેને આખી રાત માટે પલાળી દો ત્યારબાદ તેને સવારે ક્રશ કરી ખીરું તૈયાર કરી તેને સાતથી આઠ કલાક માટે આથો આવવા માટે રહેવા દો. હવે આ ખીરામાં મીઠું અને ચપટી સોડા નાંખી બરાબર હલાવી તેને બે સરખા ભાગ કરી લો. કોથમીર ફુદીનાની ચટણીમાં એક ચમચી બેસન અને એકથી બે ટીપા ગ્રીન ફુડ કલર નાખી બરાબર હલાવી તૈયાર કરી લો હવે એક ઢોકળિયામાં પાણી મૂકી અને ગરમ કરવા મૂકો અને જે વાસણમાં ઢોકળા બનાવવાના છે તે વાસણને તેલથી ગ્રીસ કરી તૈયાર કરી લો.
સૌપ્રથમ વાસણમાં નીચે ઢોકળાનું ખીરું પાથરી લો અને તેને ઢોકળીયામાં દસ મિનિટ માટે ચડાવો. હવે તેમાં તૈયાર કરેલ કોથમીર ફુદીના ની ચટણીનું મિશ્રણ પાથરી, બીજું લેયર તૈયાર કરી લો અને તેને પણ દસ મિનિટ માટે ચડાવો. હવે છેલ્લું બાકી બચેલું ઢોકળા નુ ખીરુ પાથરી, ત્રીજું લેયર તૈયાર કરી ઉપરથી મરી પાઉડર છાંટી લો.હવે તેને પંદરથી વીસ મિનિટ માટે ચડાવો. હવે ઢોકળા ચડી ગયા બાદ તેને ઠંડા કરી લો.ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢી લઈને તેના પીસ કરી લો. હવે વઘાર માટે તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ અને મીઠા લીમડાના પાન અને લીલા મરચાં ઉમેરીને તેને ઢોકળા ઉપર પાથરી લો અને આ ઢોકળાને ગરમ ગરમ ચા સાથે સર્વ કરો.