દિવાળીની ખરીદી કરવા નીકળેલ પરિવારને કાળ ભરખી ગયો

વડોદરાના દરજીપુરામાં પાસે આવેલા એરફોર્સ પાસે કન્ટેનરે છકડાને કચડી નાખ્યો ઘટના સ્થળ પર જ 10 લોકોનાં મોત થયાં તેમાંથી 7 મૃતકોની જ ઓળખ થઈ હતી. 3 મૃતકોની ઓળખ ન થતાં તેમના મૃતદેહોને સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યા હતા. જેથી હરણી પોલીસે મહિલાના મૃતદેહ પાસેથી મળેલા મોબાઈલના સીમકાર્ડના આધારે 5 દિવસ બાદ એક પરિવારની ઓળખ કરી હતી. 3 મૃતકોમાં માતા અને બે પુત્રો હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. મૃતક મહિલાના પતિ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. જેથી પતિને પેરોલ મળ્યા બાદ પત્ની અને બે બાળકોના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પરિવારનો માળો વિખાય ગયો : વડોદરા નજીક આવેલા ખંટબા રહેતા ઉર્મિલાબેન પ્રવીણભાઈ બારિયા (ઉ.44), તેમના બે પુત્રો વિશાલ પ્રવીણભાઈ બારિયા અને અક્ષય પ્રવીણભાઈ બારિયાને લઈને 4 ઓક્ટોબરના રોજ દિવાળીની ખરીદી માટે વડોદરા આવવા માટે નીકળ્યાં હતાં. આ સમયે અકસ્માત છકડામાં વડોદરા આવવા માટે બેઠાં હતાં અને દરજીપુરા એરફોર્સ પાસે છકડા અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં પરિવારનો માળો પિંખાઈ ગયો હતો અને માતા અને બંને પુત્રોએ જીવ ગુમાવ્યા હતા. કરુણતા એ છે કે, મૃતક મહિલાનો પતિ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ હોવાથી અને પરિવારમાં બીજું કોઈ ન હોવાથી મહિલા અને બંને બાળકોની ઓળખ થઈ શકી નહોતી. પોલીસે મહિલા પાસેથી મળેલા મોબાઈલના સીમકાર્ડના આધારે મહિલાના પરિવારની ઓળખ કરી હતી. છકડો અને કન્ટેનર વચ્ચે અકસ્માત થતા આ બનવા બન્યો હતો

4 ઓક્ટોબરે અકસ્માત થયો હતો :ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના દરજીપુરા એરફોર્સ પાસે 4 ઓક્ટોબરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં છકડા અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં 10 લોકોના દબાઈ જવાથી મૃત્યુ થયાં હતાં, જ્યારે અન્ય 7 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડ અને એરફોર્સની ટીમે છકડાનાં પતરાં કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા. ડેડ બોડીઓ કોલ્ડરૂમમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી. કન્ટેનર નીચે છકડો દબાઈ જતાં 10 લોકોનાં મોત થયાં હતાં.

કન્ટેનરે છકડાને કચડી નાખ્યો હતો: આ ઘટના કેવી કેવી રીતે બની તે ખાસ વાંચો સુરતથી અમદાવાદ જતા કન્ટેનરના ચાલકે કારચાલકને બચાવવા જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ગોલ્ડન ચોકડી પાસેથી મુસાફરો છકડામાં બેઠા હતા અને કપુરાઈ તરફ જતા હતા ત્યારે દરજીપુરા પાસે કન્ટેનર ચાલક કારચાલકને બચાવવા જતા રોંગ સાઈડ ઉપર ઘસી જતા સામેથી આવી રહેલા છકડાને અડફેટમાં લીધો હતો અને કન્ટેનર એરપોર્ટની દીવાલમાં ઘૂસી ગયું હતું.

અકસ્માતમાં મૃતકોનાં નામ

  • વીરપાલસિંહ ઉર્ફે સંદીપ ચાવડા (રહે. દંતેશ્વર, વડોદરા)
  • જુવાનસિંહ બારિયા, (રહે. વાંદરા, દેવગઢબારિયા)
  • ઉર્મિલાબેન પ્રવીણભાઈ બારિયા (રહે. 156, નવીનગરી, ખટંબા, વડોદરા)
  • વિશાલ પ્રવીણભાઈ બારિયા (રહે. 156, નવીનગરી, ખટંબા, વડોદરા)
  • સવીતાબેન બારિયા, (રહે. વાંદરા, દેવગઢબારિયા)
  • ફતેસિંહ ઇન્દ્રસિંહ ગોહિલ, (રહે. જબુગામ, પાવીજેતપુર)
  • રાકેશ બાકેબિહારી મિશ્રા, (રહે હરિભક્તિની ચાલી, સલાટવાડા, વડોદરા)
  • અક્ષય પ્રવીણભાઈ બારિયા (રહે. 156, નવીનગરી, ખટંબા, વડોદરા)