Categories
સમાચાર

મહામારીમાં જીવનરક્ષક રેમડેસિવર શું છે તમામ માહિતી જાણવી જરૂરી છે

મહામારીમાં જીવનરક્ષક:કોરોનાની ગંભીર અસર ધરાવતા દર્દીઓ માટે રેમડેસિવર બની આશાનું કિરણ; રેમડેસિવરની તમામ માહિતી જે તમારે જાણવી જરૂરી છે

  • ઈન્જેક્શન ફેફસાંમાં ઈન્ફેક્શનને ફેલાવતા અટકાવે છે. કોઈ વ્યક્તિ કોરોનાથી ગંભીર સ્થિતિમાં પહોંચી જાય તો જ આ ઈન્જેક્શનની ખાસ જરૂર પડે છે
  • કોવિડ-19 માટે ઉપયોગમાં કરાયો તે અગાઉ રેમડેસિવર હિપેટાઈટીસ-સી (Hepatitis C) અને ત્યારબાદ ઈબોલા વાઈરસ સામે રક્ષણ આપતી હતી

ભારતમાં કોરોના વાઈરસનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા સતત વધી રહી છે, દર્દીઓની સારવાર માટે દવાની માંગ પણ ખૂબ વધી ગઈ છે. કોવિડ-19 સામે પ્રતિકારક ક્ષમતા ડેવલપ કરવા દેશમાં વેક્સિનેશનનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ હોસ્પિટલમાં દાખલ સંક્રમિત દર્દીઓને બચાવવા માટે પ્લાઝ્મા થેરાપી અને હાઈડ્રોક્સીક્લોરોક્વિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમેરિકાની રેમડેસિવર ખૂબ અસરકારક નિવડી છે, જેથી રેમડેસિવરની ખૂબ જ માંગ વધી ગઈ છે. આ સંજોગોમાં દેશના અનેક વિસ્તારોમાં રેમડેસિવર માટે લોકો લાંબી લાઈનો લગાવી રહ્યા છે ત્યારે અનેક હોસ્પિટલોમાં તો તેની અછત સર્જાઈ છે. એન્ટીવાઈરલ તરીકે ઓળખાતી આ દવા કોરોના વાઈરસ સામે ગંભીર સ્થિતિમાં અસરકારકતા દર્શાવી છે. 

રેમડેસિવરના સંશોધનથી અત્યાર સુધીની સફર :વેકલુરી (Veklury) બ્રાન્ડ હેઠળ વેચાતી રેમડેસિવર અમેરિકાની બાયોફાર્માસ્યુટીકલ કંપની ગિલિયડ સાયન્સિસ ( Gilead Sciences) દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

કોવિડ-19 માટે ઉપયોગમાં લેવામાં આવી તે અગાઉ રેમડેસિવર હિપેટાઈટીસ-સી (Hepatitis C)ની અને ત્યારબાદ ઈબોલા વાઈરસના રોગ તથા માર્ગબર્ગ વાઈરસના સંક્રમણ સામે રક્ષણ મેળવવા સંશોધન કરવામાં આવ્યા હતા.

કોરોના મહામારીમાં વિશ્વમાં આશરે 50 દેશોમાં ઈમર્જન્સીની સ્થિતિમાં જ તેનો ઉપયોગ કરવા મંજૂરી આપવામાં આવેલી છે. આ માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ગાઈડલાઈન પણ જાહેર કરી હતી.

રેમડેસિવર કેવી રીતે કામ કરે છે: નિષ્ણાતોનું માનવું છે કે આ ઈન્જેક્શન ફેફસાંમાં ઈન્ફેક્શનને ફેલાવતા અટકાવે છે. કોઈ વ્યક્તિ કોરોનાથી ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે તો તેને આ ઈન્જેક્શનની ખાસ જરૂર પડે છે.

એવા પુખ્તો કે જેમની ઉંમર ઓછામાં ઓછી 12 વર્ષ છે અને એવા ઉંમરલાયક લોકો કે જેમનો વજન ઓછામાં ઓછો 40 કિલો હોય તેમને ઓક્સિજન લેવાની ખાસ જરૂર પડવાના સંજોગોમાં રેમડેસિવર મારફતે સારવાર કરવામાં આવે છે.

તે લેબ ડિશ અને પશુઓ પર અસરકારક નિવડી હતી. તે વાઈરસની સંખ્યાને વધવા પર નિયંત્રણ મૂકે છે અને ઈમ્યૂનિટી સિસ્ટમ પર પણ કોઈ વિપરીત અસર થવા દેતી નથી. તે સીધા જ વાઈરસ પર હુમલો કરે છે. જેને ન્યૂક્લિયોટાઈડ એનાલોગ કહેવામાં આવે છે,જે એડેનોસિનની નકલ કરે છે. રેમડેસિવર એડેનોસિનમાં ભળી જવાને બદલે જીનોમમાં જ સામેલ થઈ જાય છે,જે રેપ્લિકેશન પ્રોસેસમાં શોર્ટ સર્કિટની જેમ કામ કરે છે. રેમડેસિવર એક ન્યૂક્લિયોસાઈડ રાઈબોન્યૂક્લિક એસિડ (RNA)પોલીમરેઝ ઈનહિબિટર ઈન્જેક્શન છે. કોરોના મહામારીની કપરી સ્થિતિમાં અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શન્સ ડિસિઝ (NIAID) દ્વારા SARS-CoV-2 સામે ટ્રાયલ કરવા મંજૂરી હતી, જેમાં સફળતા મળી હતી.

ભારતમાં કોરોનાની બીજી લહેરમાં રેમડેસિવરની અસાધારણ માંગ સર્જાઈ રેમડેસિવર ફક્ત ડોક્ટરના પ્રિસક્રિપ્શન પર જ ખરીદી શકાય છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે દેશમાં કોરોનાની પહેલી લહેરમાં ખુબ જ ઓછી સંખ્યામાં રેમડેસિવરના ઈન્જેક્શન આપવામાં આવતા હતા, પણ કોરોનાની બીજી લહેરમાં આ પ્રમાણ 80 ટકા પહોંચી ગયું છે. આ અહેવાલ પ્રમાણે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ પ્રમાણે રેમડેસિવરનો વધારે પ્રમાણમાં ઉપયોગ થવો જોઈએ નહીં, પણ ખાનગી હોસ્પિટલોના ડોક્ટરોએ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. તેને પગલે રેમડેસિવરની માંગમાં અસાધારણ વધારો થયો છે.

ભારતમાં રેમડેસિવરના ઉત્પાદનની શું સ્થિતિ છે: ભારતીય બજાર માટે મુખ્ય સાત જેટલી ફાર્માસ્યુટીકલ કંપની કેડિલા હેલ્થકેર (ઝાઈડસ કેડિલા), સિપ્લા, માયલન ફાર્મા, જુલિબિયન્ટ લાઈફ સાયન્સિસ, હેટેરો ડ્રગ્સ, સિનજીન ઈન્ટરનેશનલ, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રેમડેસિવરનું ઉત્પાદન કરે છે.

આ તમામ કંપનીઓની માસિક ઉત્પાદન ક્ષમતા 31.60 લાખ ડોઝ છે. જે પૈકી હેટેરો 10.50 લાખ, સિપ્લા 6.20 લાખ, ઝાઈડસ કેડિલા 5 લાખ અને માયલન 4 લાખ ડોઝનું ઉત્પાદન કરે છે. જ્યારે અન્ય 1થી 2.5 લાખ ડોઝ અન્ય ફાર્મા કંપનીઓ દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. ઝાઈડસ કેડિલાએ મહિના દીઠ આઠ લાખ ડોઝની ક્ષમતા સ્થાપિત કરેલી છે,જે આગામી સમયમાં અમદાવાદ અને વડોદરા પ્લાન્ટ ખાતે વધારીને મહિને 12 લાખ ડોઝની કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *